ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

સંપાદક ની કલમ થી

રાસ્તે જબ નયે અપનાઓગ
કાંટે જરૂર પાઓગે

૨૦૨૦નું વર્ષ મુશ્કેલીઓનું જ વર્ષ રહ્યું. સમગ્ર માનવજાત ચિંતાગ્રસ્ત જ રહી. આર્થિક, સામાજિક,
વહેવારિક બાબતોમાં ઘણું સહન કરવું પડ્યું. આવી વ્યથાઓની વચ્ચે જીવન નિર્વાહની આદત
પાડવી પડશે. એવું પણ શીખવા મળ્યું. ઘણું ગમતું પણ થયું. આખરે ૨૦૨૧ની સાલ નવાં સપનાઓ નવી
આશાઓ લઈને આવી ગઈ. સમગ્ર માનવજાતે આશાનું અજવાળું ઓઢીને ઊંઘવાનું અને આશાના કિરણે
જાગવાનું રહ્યું. એટલે તો એક ઉર્દૂ શાયરે કહ્યું છે કે

ન સબો રોજ હી બદલે હૈ, ન હાલ અચ્છા હૈ,
કિસ બરહમનને કહા થા, કિ યે સાલ અચ્છા હૈ.

મા ભગવતી સોનલમાની બીજ ધામેધૂમે અને ભવ્ય રીતે દેશ-વિદેશમાં દર વર્ષે ઉજવાતી હતી. તે આ વર્ષે સંજોગોને આધીન રહી ન ઉજવાણી. અઢારે વરણની પૂજનીય આઈ સોનલની ભાવ-ભક્તિ પોતપોતાના ઘરે જ થઈ. દિવાળીના ”ચરજ”ના વંદના વિશેષાંક પછી નવા વર્ષનો આ અંક ચારણો, ચારણેત્તર ચાહકો, ભાવકો, વાચકો માટે એક અણિયાળો સવાલ લઈને આવે છે. ઘણી વખત ઘણાંને પ્રશ્ન થાય કે ચારણો અને ચારણી સાહિત્યની આવડી મોટી કઇ સિદ્ધિ છે કે સદીઓથી આ સમાજ અને આ સમાજનું સાહિત્ય આવડું મોટું માન-આદર પામ્યું છે. તો એના ઉત્તરમાં બે વાત બહુ મહત્ત્વની છે. એક, આખું જગત જે માતાજીઓને પૂજે છે, માને છે અને આસ્થાનું પ્રતીક છે. એ માતાજીઓના અવતરણ માત્રને માત્ર ચારણોના ઘરે થયાં છે. બીજું, એ ચારણોની જીભે મા શારદાનો વાસ હોવાથી યુગોયુગોથી આ પરા વાણી જનસમુદાયને વાસ્તવિકતાના દર્શન કરાવતી આવી છે. આવી પ્રતાપી, પાવન અને પરોપકારી જીવન ધારા લઈને જનસમુદાય વચ્ચે આદર પામતાં ચારણો અને ચારણી સાહિત્ય જે કંઠસ્થ
હતું એ બઘું હવે ગ્રંથસ્થ થવા લાગ્યું છે.

ગુજરાતી સાહિત્યની અનેકવિધ સંસ્થાઓ જે આપણા તમામ સાહિત્યને ઉજાગર કરતી સંસ્થાઓ છે. એના દ્વારા પ્રકાશિત ગ્રંથોમાં અન્ય સાહિત્યની તુલનામાં ચારણોની અને ચારણી સાહિત્યની જે રીતે નોંધ લેવાવી જોઇએ એ રીતે હજુ સુધી લેવાણી નથી. એ દુઃખની બાબત ગણી શકાય. ”ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ” નામક પ્રકાશિત થયેલાં ગ્રંથમાં ચારણોની કે ચારણી સાહિત્યની નોંધ ન હોવાથી આદરણીય નરોત્તમ પલાણ સાહેબે પોતાના લેખ દ્વારા મુદ્દાસર વાતો મૂકેલી છે. જે-તે સમયે આ પ્રશ્નને લઈને થોડાં મત-મતાંતરો પણ થયેલાં. અંતે પલાણ સાહેબની ચારણો અને ચારણી સાહિત્ય પ્રત્યેની પ્રીતિનું પરિણામ ધાર્યું ન જ આવ્યું. આ વાત ચરજના માધ્યમ દ્વારા ફરી વખત સૌના ધ્યાને મુકવા પહેલ કરી છે. આમાં કોઈની ટીકા કે નિંદા કરવાનો ઇરાદો નથી. કોઈને ઉતરતું કે કોઈને ચઢિયાતું સાબિત કરવાની વૃત્તિ પણ નથી. માત્ર વિદ્વાનોના, સાહિત્યકારોના, લેખકો-કવિઓના આ બાબતે ચરજ નેટવર્ક દ્વારા પત્ર પ્રતિભાવો મંગાવવામાં આવ્યા. જે-જે મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા એ જ અત્રે મૂક્યાં છે. સંજોગોવસાત જે નથી લખી શક્યાં. એમની સાથે વાત થતાં એમનો મૌખિક પ્રતિભાવ તો એ જ રહ્યો કે ”દિનેશભાઈ ! આ વાત સાચી જ છે કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જ્યારે લખાતો હોય ત્યારે ચારણો અને ચારણી સાહિત્યની નોંધ કેમ ન લેવાય ?” પ્રશ્ન એ થાય કે ચારણોની કંઠ, કહેણી અને કવિતાના વ્યાપથી કે આભને આંબે એવી યશકીર્તિથી આપણાં આ સાક્ષરો ક્યાં અજાણ છે ? હા, ચારણી સાહિત્ય આમ જનતાની સમજમાં ક્યાંક ન પણ આવ્યું હોય એવું બને, પરંતુ એ તો ન સમજનાર સમુદાયનો દોષ છે. ચારણી સાહિત્યનો દોષ તો છે જનહીં. કારણ કે આ સાહિત્ય ઉત્તમ ગુણવત્તાયુક્ત સાહિત્ય રહ્યું છે. પણ ઘાટ એવો ઘડાયો કે પેલી વાત મને યાદ આવે છે કે, રાજમહેલમાં સંજવાળી કાઢતી દાસીને હીરો મળે, સમય વીત્યેહીરાબજારમાં વેચવા જાય, દમડાં માટે દોટું દેતી એ દાસીને ઝવેરીઓની કીધેલી કિંમત ગળે ન ઉતરતાં ”લાવો મારો હીરો, મારે નથી વેચવો” કહી અને હીરો પાછો માગે અને જાણતલ ઝવેરી હીરાનો ઘા કરે, હીરો તૂટે, ઝવેરી અચંબિત થાય, થડેથી હેઠો ઉતરે, ને હીરાની કણીરૂપે કવિ બોલે કે

ચેરીને પગતલ દિયો, તા પે ઘટયો ન માન,
જાનન હાર અજાન ભયો, તા દિન હૈયું ફટાન.

બસ વાત આટલી જ છે. ચારણી સાહિત્ય જેને ન સમજાયું એને માફ ! પણ આવા સમજણાં પણ સાચુંકલાં નહીં એવા વિદ્વતજનો ચારણી સાહિત્યની અવગણના શા માટે કરે ? એટલું જ નહીં આપણા પાઠ્યપુસ્તકો તપાસો, અભ્યાસક્રમો તપાસો, વિવેચકોના ગ્રંથો તપાસો, કાવ્ય આસ્વાદો તપાસો, કાવ્ય સંચયો તપાસો, તો એમાં ચારણ અને ચારણી કવિતા ક્યાં છે ? અપવાદોને બાદ કરતાં ક્યાંય કશું નજરે ચડતું નથી. કોઈ કહે કે ચારણોનું ચારણી સાહિત્ય સમજવું કઠિન છે. ઘડીકમાં કોઈને સમજાતું નથી. તો મારે એ વાત કહેવી છે કે ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ કવિઓ જેવા કે ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, સુંદરમ્, ઉશનસ, હરિન્દ્ર દવે, મકરંદ દવે, દેવજી મોઢા, સિતાંશુ યશશ્ચંદ્ર અને આવા તો ઘણાં નામો આપી શકાય. એની કવિતા પણ લોકભોગ્ય તો નથી જ. છતાં આ કવિઓ અને તેમની કવિતાઓ ઉપર બહુ મોટું કામ થયું છે. એની સામે ચારણોની કવિતા માત્ર લોક મનોરંજનના માધ્યમ તરીકે ડાયરાઓ પૂરતી જ સીમિત રહી ગઈ. વળી, મને એક કહેવત યાદ આવે છે કે ”ભાઈ, આ કાંઈ બોડી-બામણીનું ખેતર નથી કે ગમે તે આવે ને ચારો ચરી જાય.” તો આ કહેવત ચારણી સાહિત્ય અને ડાયરાઓના અત્યારના વાતાવરણ માટે મને સાર્થક લાગે છે અને ફરી નાનુભાઇ નાયકની કવિતા મને યાદ આવે છે કે

બામણ મરી ગયો છે,
અને બામણી ખૂણો પાળે છે.
ચાલો, આપણે બોડી બામણીને
આશ્વાસન દેતા આવીએ
અને તેનું રેઢું ખેતર લણતાં આવીએ.

એટલે આ સાહિત્યનું ખેતર રેઢું છે, મબલખ ચરિયાણ છે ને મોલને લણવા આવનારાંઓની ખામી નથી. એવા સમયે જાગતાંને જગાડવાની ખેવના માત્ર જ ઉદ્દેશ છે. જે સત્ય છે, સત્ત્વશીલ છે, સદ્ ગુણોથી સભર છે. એવાં સાહિત્યની અવગણના આવનારી પેઢી માટે યોગ્ય નથી. કારણ કે જીવન જીવવા માટે માત્ર સત્તા, સંપત્તિ અને વૈભવ જ જરૂરી નથી. સંસ્કાર અને સંવેદના પણ જોશે. જે ધીરે-ધીરે માનવ સમુદાયમાંથી લુપ્ત થતાં જાય છે. એ સંસ્કાર અને સંવેદનાઓનો સ્ત્રોત ચારણી સાહિત્યમાં સૌથી વધુ જોવા, જાણવા અને માણવા મળે છે. પણ સાંભળે કોણ ? કોને રસ છે ? કોને દરકાર છે ? આ સમયે મને ભાવિન ગોપાણીની ગઝલ યાદ આવે છે. એમની ગઝલમાં બહુ સારી વાત કરે છે કેઃ

છો વાગે નગારું, નહીં સાંભળે કોઈ, અહીં એકધારું, નહીં સાંભળે કોઇ.
છે લાચાર ચહેરો, તો સૌ સાંભળે છે, જો મહોરું ઉતારું, નહીં સાંભળે કોઇ.
જણાવો બધાને, શું થઇ છે ખરાબી, બધું સારું સારું, નહીં સાંભળે કોઇ.
વિચારું છું રાતે, કાલે શું કહેવું ? સવારે વિચારું, નહીં સાંભળે કોઇ.
કાચી ગઝલ છે, જે તમે સાંભળો છો, તો આને મઠારું, નહીં સાંભળે કોઇ.

આ ”નહીં સાંભળે કોઇ”ની પીડા વચ્ચે જ ડો. અંબાદાનભાઇ રોહડિયાનો હૈયે હાશકારો થાય એવો ફોન આવ્યો કે ”દિનેશભાઈ, મારે યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી જે રીતે મારે લખવું જોઈએ એ રીતે હું પ્રતિભાવ પત્ર લખી નહીં શકું. પરંતુ આપણે ત્યાં સૌ.યુનિ. માં ચારણી સાહિત્ય વિશે તો ઘણું કામ થયું છે, થાય છે અને થશે. અન્ય સંસ્થાઓએ પણ થોડું ઘણું કામ કર્યું છે. પણ આપણી આ પરંપરિત સાહિત્ય ભાગીરથીનું કામ ભારતભરમાં નોંધ લેવાય એવું જો થયું હોય તો તે રાજસ્થાનમાં થયું છે. તેની એક ઝલક આપણે આ જ પ્રશ્નોત્તરી સંવાદમાં હું રાજસ્થાની સાક્ષરોને આમાં સહભાગી કરી, મંતવ્યો લઇને સમગ્રત: નોંધ સહિત આપવા ઇચ્છું છું અને એ માટે આ પછીનો બીજો અંક પણ આપણે આ જ મુદ્દાને ધ્યાને રાખીને કરીએ. મને આ વાત બહુ યોગ્ય લાગી કે આવતાં અંકમાં રોહડિયા સાહેબની લાગણીથી ચારણી સાહિત્યને ઉજાગર કરતી, વિશેષ છણાવટ કરતી પ્રતિભાવ નોંધો મળશે. એ બદલ એમનો આભારી છું. શ્રી રોહિડયા સાહેબ રાજસ્થાની સાહિત્યકારો સાથે સીધા સંપર્કમાં પણ ખરા. એટલે ઉત્તમ કામ થઇ શકશે. ઉપરાંત આ અંકમાં જે જે વિદ્વાનો પોતાના મંતવ્યો નથી જણાવી શકયા એ બઘાને ફરી વિનંતી કરું છું કે આપ આપના વિચારો સત્વરે લખી મોકલો અને જેમણે મોકલ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

માન્ય પલાણ સાહેબની વાત સ્વીકારી ચરજમાં મોકલાયેલ આપણા મહાનુભાવોના પ્રતિભાવોને વાંચી-વિચારી તમે પણ તમારી વાત મૂકી શકો છો. આ બાબતે ”જે થયું તે થયું.” માની લઇએ. પણ હવે શું થઈ શકે ? આપણે ચારણો તો બહુ ઊંચા, આપણું ચારણી સાહિત્ય પણ બહુ ઊંચું, માની લઇએ કે આ પણ સાચું પરંતુ ”ઘરના ગોખલે દીવો કરી દેવને બેસાડી દીધાં” એટલે બસ ? બધું પતી ગયું ? આ તો આપણા મનનું જ માત્ર આશ્વાસન ગણાય. આપણા પૂર્વજોના જીવન કવનની વારસાઈ પ્રસાદીને આપણે જ લોકો સુધી નહીં પહોંચાડીએ તો કોણ પહોંચાડશે ? કારણ સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપતે રવિ:
સત્યેન વાયુ વાયુષ્ય, સર્વ સત્યેન પ્રતિષ્ઠિતમ્ જે કંઈ ટકી રહ્યું છે એ માત્ર સત્યને આધારે જ ટકી રહ્યું છે. તો આપણે તો એના ઉપાસક છીએ અને તોય આમ કેમ ? આવો, સાથે મળી આપણા સાહિત્યને, એની ગરિમાને, એના ગૌરવને સાચો ન્યાય મળે એવું સત્વરે કંઇક યોગ્ય કરીએ. અંતમાં કચ્છ ચારણ સમાજને ધન્યવાદ આપી મારી વાત પૂરી કરું તો થોડા સમય પૂર્વે અમદાવાદથી એમ્બ્યુલન્સમાં આવતાં જે અકસ્માત થયેલો અને એ અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને જે રીતે સૌ ચારણોનો સહયોગ પ્રાપ્ત થયો એ એકતાને અને એ સમજણને સલામ. તો તાજેતરમાં જ બીજી ઘટના સમાઘોઘા મુંદ્રા કચ્છમાં ઘટી. જેમાં ચારણ યુવાનને માત્ર શંકાના આધારે ગોંધી રાખી, ઢોરમાર મારી અને તેનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું. એ અતિ દુઃખદ ઘટના છે અને એ વખતે આપણા નીડર લીડર શ્રી વિજયભાઈ ગઢવી (કચ્છ)એ આગેવાની સંભાળી દરેક આગેવાનોનો પણ સહયોગ મળ્યો. જેથી કાયદાકીય રીતે પગલાંઓ લેવાની માંગ સાથે ગુનેગારોને આકરામાં આકરી સજા મળે એવી રજૂઆત સાથે ચારણ એકતાના દર્શન થયાં. ઉપરાંત સમગ્ર ગુજરાતના ચારણ સમાજે તમામ બાબતે ટેકો આપવાની હાકલ કરી એકતાનો સૂર વ્યક્ત કર્યો. આ એ જ બતાવે છે કે ચારણ એક ધારણ. જય સોનલમા – જય માતાજી.

– દિનેશ માવલ

Related posts

ચારણી સાહિત્યની નોંધ શા માટે નહિ?

સંપાદક

ભારતવર્ષ ચારણ કાવ્યના સંપાદિત પ્રકાશનની પ્રતીક્ષા કરે છે

સંપાદક

સંતશ્રી શિવરાજ ભગત – ભાડા

સંપાદક

ટિપ્પણી મૂકો