પદ્મશ્રી કવિ દાદબાપુ નો સન્માન સમારોહ તથા ''હાજર છે હિંગોળ'' ગ્રંથ વિમોચન

પદ્મશ્રી કવિ દાદબાપુ નો સન્માન સમારોહ તથા ”હાજર છે હિંગોળ” ગ્રંથ વિમોચન

મૂળ ગામ ઇશ્વરીયાના ગૌરવંતા ચારણ કવિરાજશ્રી દાદ બાપુ વાયા ધુનાનાગામ થઈ ગરવા ગિરનારની ગોદમાં શબદ સાધનાની ધૂણી ધખાવીને બેઠા છે. એમની કવિતાની કર્મ પારાયણતાના પ્રતાપે, આભને આંબી શકે એવી કાવ્યરચનાઓના કારણે, ભારત સરકારે ૨૦૨૧ની સાલનો પદ્મશ્રી એવોર્ડ જ્યારે જાહેર કર્યો ત્યારે ચારણો અને ચારણેત્તર ચાહકોના હૃદય હરખથી નાચી ઉઠયા. જૂનાગઢને દાયકાઓથી કર્મભૂમિ બનાવી વાણીથી પરાવાણી સુઘીની ઉચ્ચ કોટિની કાવ્યયાત્રા કરનારા કવિશ્રી દાદ બાપુને સન્માનવા શ્રી મેરૂભા મેઘાણંદ કેળવણી મંડળ તથા આઇ શ્રી સોનલ ચારણ વાડી સેવા સમાજ તરફથી તારીખ ૩૧-૦૧-૨૦૨૧ ને રવિવારના ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. એવા જ આ૫ણાં તળધરતીનાં લોકકવિ, ઋજુ ચારણ અને જૂનાગઢને જ કર્મભૂમિ બનાવનાર મર્માળા કવિ સ્વ. હિંગોળદાનજી નરેલાની સમગ્ર સર્જનયાત્રાને પુસ્તકરૂ૫ે સંગ્રહી ”હાજર છે હિંગોળ” ગ્રંથનું વિમોચન પૂ. દાદ બાપુ તથા માન. જે. બી. જાડેજા સાહેબ (દરબારશ્રી સુકી સાજડીયાળી)ના વરદ હસ્તે રાખવામાં આવેલ આ ગ્રંથનું સંપાદન ચરજ મેગેઝિનના સંપાદક કવિશ્રી દિનેશ માવલે કરેલું છે.

પૂ. દાદ બાપુનાં સન્માનમાં સંસ્થા તરફથી રૂ. ૧૧,૧૧૧/- ની રોકડ થેલી અર્પણ કરતાં તેમના પ્રત્યુત્તર સ્વરૂપે દાદ બા૫ુ તરફથી એમના સુ૫ુત્ર પ્રસિઘ્ઘ લોકગાયક શ્રી જીતુભાઇ તરફથી રૂ. ૧૧,૧૧૧/- ઉમેરી રૂ. ૨૨,૨૨૨/-ની રકમ કન્યા છાત્રાલયને અર્પણ કરવામાં આવી

આ સમગ્ર કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી અંબાદાનજી રોહડિયા સાહેબ તથા ફૂલછાબના સર્ક્યુલેશન મેનેજરશ્રી નીતુભાઈ તથા મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી ભીખુદાનજી ગઢવી હાજર રહેલાં. ઉપરાંત શ્રી યોગીભાઈ પઢિયાર, હિંગોળદાનજી રત્નુ સાહેબ, મઢડા સોનલધામના મૂક સેવક શ્રી ગિરીશ આપા મોડ, પ્રમુખશ્રી પી. ડી. ગઢવી સાહેબ, દાદુભાઇ કનારા, વિજયદાન લીલા, ભરતભાઈ લીલા, અજીતભાઈ સાઉ, ઇશ્વરભાઇ લીલા તથા અનેક મહાનુભાવોની હાજરીમાં પ્રમુખ શ્રી ગોવિંદભાઈ લીલાના સફળ આયોજન વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશ માવલે કરેલ હતું.

દરેક વક્તાએ પોતપોતાના પ્રવચનમાં કવિશ્રી દાદ બાપુની કવિતા અનેકવિધ પાસાઓ વિશે વિગતે વાત કરેલી. તો પદ્મશ્રી ભીખુદાનજીએ પોતાની અદ્ ભુત ગાયકી દ્વારા કવિશ્રી દાદ બાપુની કવિતા રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધેલા. અધ્યક્ષ શ્રી અંબાદાન રોહડિયા સાહેબે ચારણોની પરંપરા, ચારણોના સંસ્કાર, ચારણોની કવિતા અને એની ખુમારી વિશે ખૂબ જ સુંદર ઉદાહરણો સાથે પ્રાસંગિક વક્તવ્ય આપેલું. માન્ય જે. બી. જાડેજા સાહેબે પોતાના વક્તવ્યમાં પૂજ્ય બાપુને પ્રણામ કરી ચારણો અને ક્ષત્રિયના સંબંધો તાજા કર્યા અને સ્વ. હિંગોળ બાપુને પોતાના માનસ પિતા ગણાવી હાજર છે હિંગોળ પુસ્તકને હૃદયપૂર્વક આવકાર્યું. જેમના તરફથી આ સાહિત્ય ઉપલબ્ધ થયું. તે ભાઈ શ્રી નીલેશભાઈ લાંગાવદરાએ પણ ઘણી બધી વાતો કરી અને વિવિધ જાણકારી આપી. કવિશ્રી દાદ બાપુને અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા સન્માનવામાં આવેલા. ત્યારે ચરજ નેટવર્ક દ્વારા પણ દિનેશભાઈ દ્વારા સન્માન પત્ર આપી કવિ દાદના ચરણોમાં વંદન કરેલા.

આમ, ભાતીગળ લોકસંસ્કૃતિના વાહક કવિશ્રી દાદ બાપુનો ભવ્ય અભિવાદન સમારોહ તથા ”હાજર છે હિંગોળ” ગ્રંથનું વિમોચન એમ બંને કાર્યક્રમનું સુંદર રીતે આયોજન થયું. આભારવિધિ પ્રમુખશ્રી ગઢવી સાહેબે કોનું કેટલું યોગદાન છે એ વ્યવસ્થિત રીતે સમજાવી અને વિધવત આભાર દર્શન કરી અને કાર્યક્રમ પૂર્ણ થયેલું જાહેર કરેલ.

Related posts

આઈ શ્રી ખોડીયાર ચરિત્ર

સંપાદક

સંતશ્રી શિવરાજ ભગત – ભાડા

સંપાદક

પ્રણામ પિતાજી

સંપાદક

ટિપ્પણી મૂકો